For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુમાસ્તાધારા લાયસન્સ રિન્યૂ કામગીરી 16 દિવસથી ઠપ થઈ

- સ્માર્ટસિટી વહીવટનો ઉમદા નમુનો

- કામગીરી ચાલતી હોવાથી હજુ એક સપ્તાહ લાગશે

Updated: Jan 17th, 2021


અમદાવાદ,શનિવાર,16 જાન્યુ,2021

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા શહેરને સ્માર્ટસિટી જાહેર કરવામાં આવ્યું હોવાની વાતને ગર્વથી લેવામાં આવી રહી છે.બીજી તરફ સમગ્ર અમદાવાદ શહેરમાં છેલ્લા સોળ દિવસથી ગુમાસ્તાધારાના લાયસન્સ રિન્યૂ કરવાની કામગીરી ઠપ થઈ ગઈ છે.સત્તાવારસૂત્રોના કહેવા મુજબ હજુ વધુ એક સપ્તાહ સુધી ગુમાસ્તાધારાનું લાયસન્સ રિન્યૂ કરવાવાળાને રાહ જોવી પડશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી ટી.સી.એસ.કંપનીને કોમ્પયુટરને લગતી તમામ કામગીરી સોંપવામાં આવી રહી છે.દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કંપનીને મેઈન્ટેઈનન્સ સહીત સોફટવેર સહિતની અન્ય કામગીરી માટે કરોડો રુપિયાની રકમ ચુકવવામાં આવે છે.આમ છતાં પ્રોપર્ટીટેકસ સહીત અનેક વિભાગોમાંથી કંપનીના અલગ અલગ પ્રોગ્રામોને લઈને ફરીયાદો સામે આવે છે.છતાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કંપની સામે કરાઈ નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રોના કહેવા પ્રમાણે,પહેલી જાન્યુઆરી-૨૦૨૧થી ટી.સી.એસ.કંપની દ્વારા ગુમાસ્તાધારાના લાયસન્સ માટે અગાઉ જે મોડયુલ નકકી કરવામાં આવ્યુ હતુ એને બદલવાની કામગીરી ચાલી રહી છે.આ કામગીરી હજુ એક સપ્તાહ જેટલા સમય સુધી ચાલવાની સંભાવના છે.આ અંગે પૂર્વ કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષીએ પ્રતિક્રીયા આપતા કહ્યુ,ટી.સી.એસ.કંપનીએ જે વિભાગોની ઓનલાઈન કામગીરી માટે પ્રોગ્રામો ગોઠવ્યા છે એ દરેકમાં કોઈને કોઈ ક્ષતિઓ સામે આવી છે.ટેકસ વિભાગમાં ઓનલાઈન ટેકસ ભરનારને રિસીપ્ટ ન મળવી કે ફાયર એન.ઓ.સી. માટે ઓનલાઈન ફી ભરનારાને પણ બે વખત ચાર્જ ભરવા પડયાના દાખલા બનેલા છે.આમ છતાં મ્યુનિસિપલ કમિશનર કયા કારણોસર આ કંપની સામે કાર્યવાહી કરતા નથી એ સમજાતુ નથી.

Gujarat