For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નાણાંકીય ધાંધલીના આક્ષેપો લાગ્યા છે, મંત્રી પદ CM કેજરીવાલે જ પાછું લઈ લેવું જોઇએ :સત્યેન્દ્ર જૈન મામલે કોર્ટની ટકોર

Updated: Jul 27th, 2022

Article Content Image

- મુખ્યમંત્રીનું કામ જનતાના હિતમાં સાચો નિર્ણય લેવાનું છેઃ હાઈકોર્ટ

નવી દિલ્હી, તા. 27 જુલાઈ 2022, બુધવાર

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેનદ્ર જૈનની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમને મંત્રી પદથી હટાવવાની માંગણીને અનુલક્ષીને એક અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ અરજીને રદ્દ કરતા જૈનને મંત્રી પદથી હટાવવાની સત્તાને પોતાના અધિકાર ક્ષેત્રની બહાર હોવાનું જણાવ્યું હતું. હાઈકોર્ટે કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ આ બાબત ઉપર વિચાર કરવો જોઈએ. કોર્ટે કહ્યું હતું કે આ કામ મુખ્યમંત્રીનુ છે કે, તેઓ જનતાના હિતમાં સાચો નિર્ણય કરે. મુખ્યમંત્રી વિચાર કરે કે, શું એક ગુનાહિત પૃષ્ઠભૂમિ અથવા નૈતિક પતનના આરોપીની નિમણૂક કરવી  કે કેમ તે ધ્યાનમાં લેવું જોઈએ અને મંત્રી તરીકે પદ જાળવી રાખવું જોઈએ કે નહી. 

હાઈકોર્ટે લાઈવ લો મુજબ કહ્યું કે, કોર્ટનું કામ મુખ્યમંત્રીને નિર્દેશ આપવાનું નથી પરંતું આપણા બંધારણના સિદ્ધાંતોને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ હોદ્દા ઉપર રહેલા લોકોને તેમની ભૂમિકાની યાદ અપાવવાની ફરજ છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી કેબિનેટના સભ્યોની પસંદગી અને મંત્રી પરિષદની નિમણૂક અંગેની નીતિ ઘડવા માટે વિશેષાધિકારનો ઉપયોગ કરે છે. 

BJP નેતા અને ભૂતપૂર્વ સાંસદ નંદ કિશોર ગર્ગે કોર્ટમાં અરજી દાખલ કરીને સત્યેન્દ્ર જૈનને મંત્રીમંડળમાંથી હટાવવાની માંગણી કરી હતી. જસ્ટિસ સતીસ ચંદ્ર અને જસ્ટિસ સુબ્રમણ્યમની ખંડપીઠે તેમની અરજીને રદ્દ કરી દીધી છે. ગર્ગે પોતાની અરજીમાં કહ્યું હતું કે બંધારણીય શપથના કારણે જૈન એક લોકસેવક છે. અને જેલમાં બંધ હોવા છતાં પણ એક મંત્રીને મળતા વિશેષાધિકાર અને સુવિધાઓનો ફાયદો મેળવી રહ્યા છે.

આ અગાઉ 7 જુલાઈના રોજ પણ કોર્ટે જૈનને પોતાના પદ ઉપરથી હટાવવાના આદેશનો ઈનકાર કર્યો હતો. તે સમયે કોર્ટે કહ્યું હતું કે, 'અમને અમારી મર્યાદાઓ ખબર છે. અમારે કાયદાઓ, નિયમો અને સૂચનાઓનું પાલન કરવાનું હોય છે. અને તેનાથી આગળ ન વધી શકીએ. અમે કાયદાઓ બનાવનારા નથી.' 

Gujarat